ગુજરાત સહિત 17 રાજ્યોમાં આગામી 3- 4 દિવસ ભારે વરસાદની આગાહી- Gujarat Post

06:56 PM Jul 11, 2024 | gujaratpost

(Image Source: @Indiametdept)

હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી

અમદાવાદઃ ઉત્તર-પશ્ચિમ ભારતથી પૂર્વ અને દક્ષિણ ભારતમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે. ગોવામાં ટનલમાં પાણી ભરાવાને કારણે કોંકણ રેલ્વે માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે અને ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પાતાલગંગા લાંગસી ટનલના મુખ પાસે વિનાશક ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બિહાર સહિત ચાર રાજ્યો માટે રેડ એલર્ટ અને ત્રણ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મેઘાલયમાં અતિશય વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ગોવા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 12-14 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય 11-13 જુલાઈ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પૂર્વ રાજસ્થાન સહિત દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ વરસવાની શક્યતા છે. જો કે વલસાડ, નવસારી, તાપી,સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526