સાબરકાંઠાઃ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યાં છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. કારમાં સવાર લોકો શામળાજી મંદિરના દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યાં હતા. ત્યારે ઈનોવા કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં 7 અમદાવાદીઓનાં મોત થયા હતા અને એક વ્યક્તિની હાલત ગંભીર છે.
અકસ્માત બાદ કારમાં સવાર લોકોને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યાં હતા. ફાયર વિભાગે કારને કટર વડે કાપીને લોકોના મૃતદેહ બહાર કાઢ્યાં હતા. કારની અંદર કુલ 8 લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ સિવાય તમામનું ઘટના સ્થળે જ મોત થયા છે. અકસ્માત બાદ કારની હાલત જોઈને અનુમાન લગાવી શકાય છે કે કારની સ્પીડ વધારે હતી. ટ્રક સાથે અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો અમદાવાદના રહેવાસી હતા. આ અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
મૃતકોમાં ચિરાગ રવિભાઇ ધનવાની, રોહિત સુરેશભાઇ રામચંદાણી, સાગર નરેશકુમાર ઉદાણી, ગોવિંદ લાલચંદભાઇ રામરાણી, રાહુલ પ્રહલાદભાઇ મુલચંદાણી, રોહિત અને ભરતનો સમાવેશ થાય છે. મૃતકો બધા 22 થી 28 વર્ષની વચ્ચેની વયના છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526