તેલઅવીવઃ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (IDF) એ બુધવારે જાહેરાત કરી હતી કે ઈઝરાયેલી નૌકાદળે બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર હજ યુસુફ ઈસ્માઈલ હાશેમને ઠાર કર્યો છે. આ કાર્યવાહી મંગળવારે કરવામાં આવી હતી.
હાશેમ હિઝબુલ્લાહના દક્ષિણ મોરચાનો કમાન્ડર હતો અને દક્ષિણ લેબનાનમાં આતંકવાદી સંગઠનની સૈન્ય ગતિવિધિઓનો વડો હતો. સપ્ટેમ્બર 2024માં હિઝબુલ્લાહના પૂર્વ કમાન્ડર અલી કરાકી અને મહાસચિવ હસન નસરાલ્લાહના મોતના બાદ હાશેમે આ પદ સંભાળ્યું હતું.
હાશેમ પાસે 40 વર્ષથી વધુનો અનુભવ હતો અને તે સંગઠનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવતો હતો. IDFએ જણાવ્યું કે હાશેમે વર્ષોથી ઈઝરાયેલી નાગરિકો અને સૈનિકો વિરુદ્ધ હજારો આતંકવાદી હુમલાઓની યોજનાઓ ઘડી હતી અને તેનો અમલ કરાવ્યો હતો.
તેના માર્યા જવાથી હિઝબુલ્લાહની ઈઝરાયેલ વિરુદ્ધની આતંકી પ્રવૃત્તિઓ અને દક્ષિણ લેબનાનમાં IDF સૈનિકો સામે લડવાની ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે.