+

જેલથી બચવા રશિયન સેનામાં જોડાયેલો મોરબીનો વિદ્યાર્થી યુક્રેનની શરણે થઇ ગયો ! Video આવ્યો સામે

કમાન્ડર સાથે ઝઘડો થતાં ત્રણ દિવસમાં કર્યું સરેન્ડર ડ્રગ્સ કેસમાં સજા બાદ સેનામાં જોડાયો હતો  કિવ: રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ગુજરાતના 22 વર્ષીય  વિદ્યાર્થી માજોતી સાહિલ મ

કમાન્ડર સાથે ઝઘડો થતાં ત્રણ દિવસમાં કર્યું સરેન્ડર

ડ્રગ્સ કેસમાં સજા બાદ સેનામાં જોડાયો હતો 

કિવ: રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ગુજરાતના 22 વર્ષીય  વિદ્યાર્થી માજોતી સાહિલ મોહંમદ હુસેને યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મોરબી શહેરનો રહેવાસી માજોતી અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યાંની પરિસ્થિતિએ તેને યુદ્ધના મેદાનમાં ધકેલી દીધો હતો.

યુક્રેનની 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડે એક વીડિયો જારી કરીને આ માહિતી આપી હતી. બ્રિગેડના જણાવ્યાં અનુસાર, માજોતીને રશિયામાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલની સજા ટાળવા માટે તેને રશિયન સેનામાં સામેલ થવાની ઓફર આપવામાં આવી હતી, જે તેણે સ્વીકારી લીધી હતી.

માજોતીએ વીડિયોમાં જણાવ્યું કે તે જેલ જવા માંગતો ન હતો, તેથી તેણે રશિયન સેનાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. તેને માત્ર 16 દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી અને 1 ઓક્ટોબરે તેને યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો હતો. યુદ્ધમાં જોડાયાના માત્ર ત્રણ દિવસ બાદ, પોતાના કમાન્ડર સાથે ઝઘડો થતાં માજોતીએ યુક્રેન સેના સામે આત્મસમર્પણ કરી લીધું. તેણે યુક્રેન સેનાને જણાવ્યું કે, મારે લડવું નથી, મારે મદદની જરૂર છે.

માજોતીએ સ્પષ્ટ કર્યું કે તે રશિયા પરત ફરવા માંગતો નથી. તેને સેનામાં ભરતી થવા બદલ નાણાં આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને કંઈ મળ્યું ન હતું.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે રશિયા તરફથી લડતી વખતે યુક્રેનમાં 12 ભારતીયોનાં મોત થયા છે. મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધી 126 ભારતીય નાગરિકોને રશિયન સેનામાં સામેલ કરાયા છે. જેમાંથી 96 લોકો ભારત પરત આવી ગયા છે. જો કે, 18 ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે, જે પૈકી 16ની કોઈ ચોક્કસ માહિતી મળી નથી. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter