ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર: અમરેલી- ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, ખેતીના નુકસાન પર થશે સર્વે

07:57 PM Oct 29, 2025 | gujaratpost

  • છેલ્લા 24 કલાકમાં 136 તાલુકાઓમાં માવઠું
  • સિઝનનો સરેરાશ વરસાદ 125 ટકાથી વધુ

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગે હજ પણ બે-ત્રણ દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરી છે. આજે અમરેલી અને ભાવનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. આ નુકસાનની સમીક્ષા કરવા મંત્રીઓએ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આજે મળનારી કેબિનેટ બેઠકમાં ખેતીના નુકસાન અંગે ચર્ચા થઇ હતી અને ખેતી પાક નુકસાનનો સર્વે પણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમીરગઢમાં સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસા, દિયોદર, સુઈગામ, ધાનેરા, થરાદ, દાંતીવાડા અને લાખણીમાં પણ વરસાદી માહોલ હતો. જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ઠંડુંગાર વાતાવરણ જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 136 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસ્યો છે. 17 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 125 ટકા કરતા વધુ નોંધાયો છે.