ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: અમદાવાદ, રાજકોટ અને સુરતની TP સ્કીમોને મળી મંજૂરી

06:09 PM May 30, 2026 | gujaratpost

ગાંધીનગરઃ રાજ્યના શહેરી વિકાસ વિભાગે ત્રણ મોટા શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરત માટે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી આ વિસ્તારોમાં રસ્તા અને જાહેર સુવિધાઓ સહિતના વિકાસ કાર્યોને વેગ મળશે.

અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આંબાવાડી TP સ્કીમમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગ અને સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવામાં આવી છે. અમદાવાદની વિરોચનનગર-ખોરજ વિસ્તારની TP સ્કીમને સરકારે નામંજૂર કરી દીધી છે. તેથી હવે આ વિસ્તાર માટે નવી કે સુધારેલી યોજના લાવવી પડશે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળની ઘંટેશ્વર-પરાપીપળિયા સ્કીમને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. આ સ્કીમમાં કેટલાક પ્લોટોને પાર્કિંગ, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યાં છે.

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ખોલવડ-ભાડા સ્કીમમાં સરકારે જરૂરી સુધારા જાહેર કર્યા છે. આ સુધારા મુજબ પ્લોટના ક્ષેત્રફળ અને તેના ઉપયોગની વિગતો બદલવામાં આવી છે.

મંજૂર કરાયેલી આ તમામ TP સ્કીમોના નકશા, દસ્તાવેજો અને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટ જાહેર જનતાના નિરીક્ષણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિક સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત ઓથોરિટીની કચેરીએ જઈને આ દસ્તાવેજો જોઈ શકશે.