(demo pic)
પહેલા ભારતીય સેવાના અધિકારીઓ જેમ કે IAS, IPS, અને IFS ને વાર્ષિક સંપત્તિ વિવરણ (APR) સબમિટ કરવાની જરૂર હતી
ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો છે. અઠવાડિયામાં ત્રણથી ચાર કેસ એસીબીના ચોપડે નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ 15 જુલાઈ સુધી સરકારી કર્મચારીઓએ સંપત્તિની વિગતો આપવી પડશે, વિગતો નહીં આપનારા સામે કાર્યવાહી થશે. વારસામાં મળેલી સંપત્તિની વિગતો પણ જાહેર કરવી પડશે. આ નિર્ણય વર્ગ 4 સિવાયના તમામ કર્મચારીઓને લાગુ પડશે.
ગુજરાત સરકારના 5 લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે. વિગતો નહીં આપનારા કર્મચારીઓ સામે આકરાં પગલાં લેવાશે. ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રીટર્ન (એપીઆર) ફરજિયાત કર્યાં છે. કર્મચારીએ પોતાની પર્સનલ ઈન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે. ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની તમામ વિગતો આપવી પડશે.
સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, એફડી, સોના-ચાંદીના દાગીના, ખેતીની જમીન, રીયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો આપવી પડશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (જીએડી)ના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પડાયેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને કલાર્ક સુધીના તમામ કર્મચારીઓને પોતાની તમામે તમામ સંપત્તિની વિગતો આપવા ફરમાન કર્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526