ગાંધીનગર: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર સરકાર અને સંગઠનના પુનર્ગઠનનું કાર્ય હાથ ધર્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે ગુરુવારે જૂના મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા હતા અને શુક્રવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી.
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં હવે મંત્રીઓની સંખ્યા 16 થી વધારીને 25 કરવામાં આવી છે. આ નવી ટીમમાં 6 જૂના મંત્રીઓને જ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે 10 મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારમાં 19 નવા ચહેરાને મંત્રીમંડળમાં તક મળી છે.
જોકે, યુવા નેતાઓ હાર્દિક પટેલ (વિરમગામના ધારાસભ્ય) અને અલ્પેશ ઠાકોર (ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય) ને સ્થાન મળ્યું નથી. મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર કરીને ભાજપે આગામી સમય માટે નવું રાજકીય સમીકરણ સેટ કર્યું છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાની પણ કેબિનેટમાં અવગણના કરવામાં આવી છે.
જો કે લટકી ગયેલા ચહેરા સાથે હાર્દિક પટેલે કહ્યું, ભાજપે દરેક વિસ્તાર અને દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે, અને દરેકને ન્યાય મળ્યો છે. તેઓ હજુ નવા ધારાસભ્ય છે અને તેમને ધારાસભ્ય બન્યે માત્ર બે વર્ષ જ થયા છે. કહ્યું કે હું આગામી બે-અઢી વર્ષ સુધી મારા મત વિસ્તારમાં લોકો માટે કામ કરીશ.