મુંબઈઃ ફરી એકવાર બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ કરોડો રૂપિયાની ખંડણી માંગી છે. આ મેસેજ બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે અને મુંબઈ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.
રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી
મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને મેસેજ મોકલવામાં આવ્યો હતો કે જો 2 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો સલમાન ખાનને મારી નાખવામાં આવશે. ધમકીભર્યો મેસેજ મળ્યાં બાદ વર્લી જિલ્લા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. એક શખ્સ દ્વારા વર્લી ટ્રાફિક પોલીસને બે ધમકીભર્યા સંદેશા મોકલવામાં આવ્યાં હતા. વર્લી પોલીસે ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 354 (2), 308 (4) હેઠળ કેસ નોંધ્યો છે.
જીશાન સિદ્દીકીને પણ ધમકી આપવામાં આવી હતી
મુંબઈ પોલીસે સલમાન ખાન અને અજિત પવારની આગેવાની હેઠળના NCP ધારાસભ્ય જીશાન સિદ્દીકી, સ્વ. બાબા સિદ્દીકીના પુત્રને સંડોવતા ધમકીભર્યા કોલ કેસમાં નોઈડામાં એક 20 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ તૈયબ તરીકે થઈ છે.તે ગુરફાન ખાન તરીકે પણ ઓળખાય છે, તેને નોઈડાના સેક્ટર 39માંથી ધરપકડ કરવામાં આવી હતી. ધમકીઓ સિવાય આરોપી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાને ઝીશાન સિદ્દીકી અને સલમાન ખાન પાસે પૈસા પણ માંગ્યા હતા.
બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી
12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર હત્યા કરવામાં આવી હતી, જ્યારે તે દશેરાના અવસર પર ફટાકડા ફોડી રહ્યાં હતા. એક દિવસ પછી લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારીને કહ્યું હતું કે સલમાન ખાન સાથેના તેના નજીકના સંબંધોને કારણે હુમલો કરવામાં આવ્યો હતો. બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++