Breaking News: ગુજરાતમાં ભાજપને ન મળી હે્ટ્રિક, બનાસકાંઠાના લોકોએ ભર્યુ ગેનીબેનનું મામેરું, 25 બેઠકો પર ભગવો લહેરાયો

09:23 AM Jun 05, 2024 | gujaratpost

5 લાખની લીડથી બધી બેઠકો જીતવાનું સપનું તૂટી ગયું, પાટીલે કહ્યું અમારાથી ક્યાંક ભૂલ થઇ

પાલનપુરઃ ગુજરાતની તમામ 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે, લાખોની લિડથી જીવવાની સી.આર.પાટીલની વાતો માત્ર વાતો જ રહી ગઇ છે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યાં છે.

પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિ.મી દૂર આવેલી આ લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી.  કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યાં છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

બીજી તરફ અમરેલી, સાબરકાંઠા, પાટણ, આણંદમાં કોંગ્રેસની જીતની વાતો પોકળ સાબિત થઇ છે, ગુજરાતમાં અન્ય 25 બેઠકો પર કમળ ખિલ્યું છે, અગાઉ સુરતની બેઠક બિનહરિફ થઇ હતી અને આજે 24 બેઠકો પર ભાજપની જીત થઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526