+

ડિંગુચા કેસમાં ઈડીએ અમદાવાદમાં 8 સ્થળોએ સર્ચ કર્યું- Gujarat Post

અમદાવાદઃ ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસે 10.12.2024 અને 19.12.2024 ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002 ની જોગવાઈઓ હેઠળ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા સહિત 8 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. સર્ચ

અમદાવાદઃ ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસે 10.12.2024 અને 19.12.2024 ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002 ની જોગવાઈઓ હેઠળ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા સહિત 8 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન બેંક ખાતાઓમાં અંદાજે 19 લાખ રૂપિયાની રકમ મળી આવી હતી અને આ ખાતા ફ્રીઝ કરવામાં આવ્યાં હતા, અન્ય વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 2 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતા.

19.01.2022 ના રોજ કેનેડા-યુએસ સરહદ પર ડિંગુચા ગામના એક જ પરિવારના 4 નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યાં બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યો સામે નોંધાયેલી એફઆઈઆરના આધારે ઇડીએ તપાસ શરૂ કરી હતી. તમામ આરોપીઓ એકબીજા સાથે કાવતરું કરીને નિર્દોષ ભારતીય નાગરિકોને રૂ. 55 થી 60 લાખ લઈ કેનેડા થઈને ગેરકાયદેસર રીતે યુએસએમાં પ્રવેશ કરાવતા હતા.

ઇડીની તપાસમાં બહાર આવ્યું છે કે ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે યુએસએ મોકલવા માટે આરોપીઓએ કેનેડા સ્થિત કોલેજો- યુનિવર્સિટીઓમાં વ્યક્તિઓના પ્રવેશની વ્યવસ્થા કરી હતી અને આ રીતે કેનેડા માટે વિદ્યાર્થીઓના વિઝા માટે અરજી કરી હતી. એકવાર વિદ્યાર્થીઓ કેનેડા પહોંચ્યાં પછી, કોલેજમાં જોડાવાને બદલે, તેઓએ ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા સરહદ પાર કરી અને ક્યારેય કેનેડામાં કોલેજોમાં જોડાયા નહીં. તેને ધ્યાનમાં રાખીને કેનેડા સ્થિત કોલેજો દ્વારા પ્રાપ્ત ફી વ્યક્તિઓના ખાતામાં પરત કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે મુંબઈ અને નાગપુર સ્થિત 2 સંસ્થાઓએ કમિશનને આધારે વિદેશ સ્થિત યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક સંસ્થા સાથે કરાર કર્યો છે, જેનો એક ઈચ્છુક વિદ્યાર્થી દ્વારા ગેરકાયદેસર રીતે યુએસએ સ્થળાંતર કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દર વર્ષે આશરે 25,000 વિદ્યાર્થીઓને એક સંસ્થા દ્વારા અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને બીજી સંસ્થા દ્વારા ભારતની બહાર આવેલી વિવિધ કોલેજોમાં મોકલવામાં આવે છે. વધુમાં, એવું જાણવા મળ્યું છે કે ગુજરાતમાં આશરે 1700 એજન્ટો સમગ્ર ભારતમાં અન્ય સંસ્થાઓના આશરે 3500 એજન્ટો ભાગીદારો છે, જેમાંથી આશરે 800 સક્રિય છે. કેનેડામાં સ્થિત લગભગ 112 કોલેજોએ એક સંસ્થા સાથે અને 150થી વધુ કોલેજોએ બીજી સંસ્થા સાથે કરાર કર્યાં છે. આ કેસમાં તેમની સંડોવણીની તપાસ ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter