પરિવારનો માળો વિખેરાયો.. દ્વારકામાં એક જ પરિવારના 3 લોકોનો સામૂહિક આપઘાત- Gujarat Post

10:24 AM Oct 07, 2025 | gujaratpost

આપઘાત પાછળનું કારણ અકબંધ

કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી

આત્મહત્યા કરનારા મેરામણ ચેતરિયા કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકોમાં પિતા અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. 

પ્રાથમિક માહિતી મુજબ, પરિવારના મોભીએ આ ભયાનક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. પરિવારના વડાએ સૌથી પહેલા પોતાના બે માસૂમ સંતાનોને ઝેરી દવા પીવડાવી હતી, બાદમાં પોતે આત્મહત્યા કરી હતી. મૃતકોમાં પાંચ વર્ષની પુત્રી અને ત્રણ વર્ષનો પુત્ર સામેલ છે. માસૂમ બાળકોને ઝેર આપ્યાં બાદ પિતાએ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારનું એક સાથે મોત થતાં ગ્રામજનો હચમચી ગયા છે.

આ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જો કે, ઘટનાની ગંભીરતા જોતાં કલ્યાણપુર પોલીસનો કાફલો તાત્કાલિક લાંબા ગામે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે.

પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરિવાર આર્થિક સંકડામણ કે અન્ય કોઈ પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. પરિવારે અંતિમ પગલું ભરતા પહેલા કોઈ સ્યૂસાઇડ નોટ લખી છે કે કેમ, તેની તપાસ થઇ રહી છે.