પુરુષોત્તમ રૂપાલા જેવા લોકોને પ્રધાનમંત્રી કેમ સપોર્ટ કરે છે ? કર્ણાટક સેક્સ સ્કેન્ડલ સાથે સંકળાયેલાને ભાજપ કેમ સમર્થન કરે છે ?
મોદી સાહેબની કથની અને કરણીમાં ફેર છે, અમારી વિચારધારાની લડાઈ છેઃ ખડગે
સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે રાહુલ ગાંધીએ અમેઠીના બદલે રાયબરેલીથી ફોર્મ ભર્યુઃ ખડગે
વાયનાડથી હારે છે એટલે રાયબરેલીથી ફોર્મ ભર્યું... આવી નિવેદનબાજીથી પ્રધાનમંત્રી સ્વયમ પોતાનું કદ ઘટાડે છેઃ ખડગે
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ગરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં એમ સતત ચાર જાહેર સભાને સંબોધી હતી.બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવ્યાં હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.
તેમણે કહ્યું, હું ચૂંટણીમાં ઘણા રાજ્યોમાં ફર્યો છું. મને લાગે છે કે 10 વર્ષમાં ભાજપ સરકારથી લોકોને નારાજગી છે, લોકો સરકાર બદલવા માંગે છે, 2014, 2019 માં જે થયું એ હવે નહીં થાય. લોકો ગુસ્સામાં છે, મોંઘવારી વધી છે, સરકાર પાસે કોઈ જવાબ નથી. સાંસદ કે અન્ય કોઈ મંચ પર સરકાર સંવાદ માટે તૈયાર નથી. બેરોજગારી ને લઈને યુવાનો પરેશાન છે, 2 કરોડ નોકરીઓનો વાયદો પણ ખોટો સાબિત થયો.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, હાલ પબ્લિક સેક્ટરનું ખાનગી કરણ થઈ રહ્યું છે, યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. લોકોની ભાવનાઓ સાથે રમત કરીને સરકાર મતો માંગે છે. મનરેગા યોજના કોંગ્રેસ સરકાર લોકોને રોજગાર મળે એ માટે લાવી હતી. ખાદ્ય સુરક્ષા કાયદો કોંગ્રેસની સરકાર લાવી, આ કોઈ સરકારી પરિપત્ર નથી કે જે બદલી શકાય. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ પણ કોંગ્રેસ સરકાર લાવી. વગર કોઈ ગેરંટી આપી ને પણ કોંગ્રેસે દેશ ના ગરીબ અને નબળા વર્ગ ના લોકો માટે જ કર્યું.
ઉપરાંત તેમણે જણાવ્યું, મોદીની ગેરંટી પર જેને કઈ ખરેખર મળ્યું હોય તો એ ભાગ્યવાન છે. કોઈના ખાતામાં 15 લાખ આવ્યાં હોય તો એ ભાગ્યવાન છે. રામ મંદિર આસ્થાનો વિષય છે, આસ્થા જોડે રમત ના હોવી જોઈએ. 10 વર્ષ એમને મોકો મળ્યો, પણ હવે જનતા સમજી ગઈ છે. મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપવી, અન્ય દેશોને પણ આઝાદીની પ્રેરણા મળી હતી. મહાત્મા ગાંધી પણ અહી જ પેદા થયા હતા. મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે. ગાંધીની વિચારધારા સામે ગોડસેની વિચારધારાની લડાઈ છે. સંવિધાનની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ. તેઓ કહે છે કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા પાકિસ્તાન તત્પર છે, અમે બારોબર પ્લેનમાં પાકિસ્તાન જઈને દાવત કે શાલ નથી લીધી.
ખડગેએ કહ્યું, કોંગ્રેસી લોકોએ દેશ માટે જીવ આપ્યાં છે, કોંગ્રેસ હિસાબ આપી શકે, પણ સરકાર લેવા તૈયાર ક્યાં છે ? કોંગ્રેસના મેનીફેસ્ટોને મુસ્લિમ લીગનો મેનીફેસ્ટો ગણવવો એ કયો તર્ક છે ? અમે મહિલાઓ, યુવાનો, ખેડૂતો, મજૂરો અને અન્યોને ન્યાયની ગેરંટી આપીએ તો શું એ મુસ્લિમ લીગનો મેનીફેસ્ટો ગણવો ? 10 વર્ષમાં જાતી આધારિત વસ્તી ગણતરી કરવી જરૂરી છે, પણ આ સરકારે કરાવી નથી, એક સારા રાજનેતા આડેધડ નિવેદન ના કરે, પણ જેવી જેમની વિચારધારા. દેશ માટે કામ કરવાની વાત કરવાને બદલે લોકોને ભડકાવવાનું આ સરકાર કામ કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526