અંદાજે 2500 પોલીસ જવાનો ઓપરેશનમાં જોડાયા, બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી, કુલ 64 લોકોનાં મોત

08:03 PM Oct 29, 2025 | gujaratpost

  • સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી
  • અંદાજે 2500 હથિયારબંધ પોલીસકર્મી કાર્યવાહી કરી રહ્યાં છે

રિયો ડી જનેરિયો: બ્રાઝિલમાં ડ્રગ તસ્કરો અને માફિયાઓ પર પોલીસની કાર્યવાહીમાં એક જ દિવસમાં 64 લોકોનાં મોત થયા છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી છે. બ્રાઝિલમાં રિયો ડી જનેરિયોના બે વિસ્તારોમાં પોલીસે આ કાર્યવાહી કરી હતી. જેમાં 64 લોકોનાં મોત થયાં છે, જ્યારે 81ની ધરપકડ કરવામાં આવી છે.

રિપોર્ટ્સ મુજબ, લગભગ 2500 સશસ્ત્ર પોલીસકર્મીઓ આ વિસ્તારોમાં માદક પદાર્થોની તસ્કરી કરનારી ગેંગ વિરુદ્ધના ઓપરેશનમાં સામેલ હતા. માર્યા ગયેલા લોકોમાં ચાર પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. રિયોના ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ કોમ્પ્લેક્સો દા પેન્હા અને કોમ્પ્લેક્સો દો અલેમાઓ નજીક ચલાવવામાં આવેલા આ મિશનને રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું અભિયાન ગણાવ્યું હતું.

યુએને કહ્યું કે આ કાર્યવાહી પોલીસ ઓપરેશન સામે સવાલ કરી ઉભા કરી રહી છે, સંયુક્ત રાષ્ટ્રએ બ્રાઝિલ સરકારને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાઓનું પાલન કરવાની અપીલ કરી છે, આ ઘટનાની ઝડપી અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

નોંધનીય છે કે, બ્રાઝિલનું રિયો ડી જનેરિયો એક લોકપ્રિય પર્યટન કેન્દ્ર તરીકે જાણીતું છે. જો કે, નશીલા પદાર્થોની તસ્કરીને કારણે પોલીસની કાર્યવાહી વારંવાર થઇ રહી છે. આ ક્ષેત્રમાં ઘણી ગરીબ વસાહતોમાં મોટી વસ્તી વસેલી છે. તસ્કરીને કારણે અહીં ગુનાઓનું એક મોટું નેટવર્ક પણ ઊભું થયું છે.