ભાવનગરના ઘોઘામાં ઓનર કિલિંગ: હત્યા બાદ મૃતદેહ ચેકડેમમાં ફેંકી દેવામાં આવ્યો હતો

11:44 AM Oct 25, 2025 | gujaratpost

ભાઇ અને માતાએ મળીને દિકરીની હત્યા કરી નાખી 

ભાવનગર:ઘોઘામાં સનસનીખેજ ઓનર કિલિંગની ઘટના સામે આવી છે.ભીકડા ગામમાં એક માતા અને પુત્રએ પોતાની દીકરને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ચેકડેમમાં ફેંકી દીધો હતો. યુવતી ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રેમી સાથે વાત કરતી હોવાથી માતા અને ભાઈએ આ કૃત્ય આચર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભીકડા ગામના હિંમત સરવૈયા (ઉં.વ. 55) એ પોતાની પત્ની દયાબેન અને પુત્ર પ્રકાશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવતી શિહોરના એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતી હતી. આ અંગેની જાણ દયાબેન અને પ્રકાશને થતાં તેમણે યુવતીને પ્રેમી સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું. જો કે, યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પર અડગ હતી.

પોલીસ ફરિયાદ મુજબ, ગત 18 ઓક્ટોબર, 2025ના રોજ દયાબેને યુવતીને ફરીથી પ્રેમી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા ઝડપી પાડી હતી. આ બનાવ બાદ દયાબેને પુત્ર પ્રકાશને બોલાવી લીધો હતો. માતા અને ભાઈએ ભેગા મળીને યુવતીને છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવાના ઇરાદે તેમણે યુવતીના મૃતદેહને નજીકના ચેકડેમમાં ફેંકી દીધો હતો.

બીજા દિવસે ચેકડેમ પાસેથી દીકરીની લાશ મળી આવતાં પિતા હિંમતભાઈએ પોલીસને જાણ કરી હતી. દીકરીની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી, જેમાં માતા દયાબેન અને પુત્ર પ્રકાશે  ગુનો કબૂલ્યો હતો. પોલીસે પિતાની ફરિયાદને આધારે ઓનર કિલિંગના આ કેસમાં બંને આરોપી માતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.