અમદાવાદઃ રાજ્યમાં હત્યાઓ અને ધાડ સહિતની ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે આ ગુજરાત મેં બનાવ્યુંનું કેમ્પન કરનાર ભાજપ અસલામત - અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યું' તેની જવાબદારી ક્યારે સ્વિકારશે ? તેવો વેધક પ્રશ્ન પુછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાજ્યમાં ધોળે દહાડે થઈ રહેલી હત્યાઓ અત્યંત ચિંતાનો વિષય છે.
ચૂંટણી સમયે સલામત સુરક્ષિત ગુજરાતના બણગા ફૂંકતા ભાજપના શાસનમાં એક મહિનાથી ઓછા સમયમાં 18 હત્યાઓની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે. માત્ર 10 મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં 78 જેટલા હત્યાઓ થઇ છે. બહેન દીકરીઓ પર બળાત્કાર થાય, ડ્રગ્સ-દારૂનો બેફામ વેપાર, વ્યાજખોરોનો આતંક સહિતની ઘટનાઓને રોકવામાં ગૃહવિભાગ નિષ્ફળ નીવડ્યું છે.
નાગરિકોને માત્ર ગુમરાહ કરવા અને ચૂંટણી વખતે મોટા સૂત્રોમાં આ ગુજરાત મે બનાવ્યુંની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર અસલામત - અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યુંની જવાબદારી ક્યારે સ્વીકારશે ? અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વલસાડ, બોટાદ, મહેસાણા, અમરેલી સહિતના જિલ્લાઓમાં પોલીસતંત્ર અને કાયદાનો જરા પણ ડર ન હોય એમ નાગરિકોની હત્યાની ઘટના થાય એ જ દર્શાવે છે કે ભાજપ સરકારમાં ગુજરાત માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી નાગરિકોની સુરક્ષા - સલામતીમાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે.
તાજેતરમાં અમદાવાદમાં બૂટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા યુવકની હત્યા થાય, વલસાડમાં કોલેજીયન યુવતીનું દુષ્કર્મની કરી કરપીણ હત્યા, બોપલમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા વિદ્યાર્થીની હત્યા, વડોદરામાં પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરટરના પુત્રની હત્યા સહિતની ઘટનાઓ બાદ પણ ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 6 જેટલી બહેન - દીકરીઓ પર બળાત્કાર થાય શુ છે, શું આ ભાજપા સરકારનું સુરક્ષા મોડલ છે ?
ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોય તેમ બેફામ બન્યાં છે. અસામાજિક તત્વો, બુટલેગરોને પોલીસ તંત્ર અને કાયદાનો ડર રહ્યો નથી. ગુજરાતમાં વધતી જતી હત્યા, ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નીતિ જવાબદાર છે જેનો ભોગ ગુજરાતની 6 કરોડ જનતા બની રહી છે. ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યાં છે.
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનારા ગૃહરાજ્ય મંત્રી જાગો હવે દિન દહાડે થઈ રહેલી હત્યાઓ માટે પગલા ભરો. બૂટલેગરો અને અસામાજિક તત્વો ફાયદામાં છે. ગુજરાત જાણે છે કે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. રાજ્યમાં કાયદાના રક્ષકના જીવ જોખમમાં મૂકાય છે અને ફાયદો ઉઠાવી રહ્યાં છે બુટલેગરો. પોલીસ જ સલામત નથી તો તે જનતાને કંઈ રીતે રક્ષણ આપશે ? રાજકીય આશ્રય અને ભ્રષ્ટાચારને કારણે બુટલેગરને કોઈનો ડર રહ્યો નથી. જે ગામમાં દૂધના ટેન્કર ફરતા હતા ત્યાં હવે દારૂના ટેન્કરો ઠલવાઈ રહ્યાં છે. અબજો રૂપિયાનો ડ્રગ્સ-નશાનો વેપલો ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીશ ગુજરાતના નાગરિકોની સલામતી માટે મક્કમ પગલા ભરે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/