ન્યૂયોર્કઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ન્યૂયોર્કના મેલવિલે વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ મામલો યુએસ પ્રશાસન સામે ઉઠાવ્યો છે. દૂતાવાસે આ હુમલાની નિંદા કરી છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. દૂતાવાસે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
શું છે સમગ્ર મામલો ?
સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ મુજબ રસ્તા પર સ્પ્રે પેઇન્ટથી અપમાનજનક શબ્દો લખવામાં આવ્યાં હતા અને મેલવિલેના હિંદુ મંદિરની બહાર ચિહ્નો હતા. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ મામલે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.
દૂતાવાસે સખત વિરોધ ઉઠાવ્યો
ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ સમગ્ર મામલાને લઈને સોમવારે X પર પોસ્ટ કરી છે. દૂતાવાસે કહ્યું છે કે ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર પાસે સાઈન બોર્ડને તોડી પાડવાની ઘટના અસ્વીકાર્ય છે. કોન્સ્યુલેટ સમૂદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે ત્વરિત પગલાં લેવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સામે સખત વિરોધ ઉઠાવ્યો છે.
પીએમ મોદી આ વિસ્તારમાં સભા કરશે
મેલવિલે સફોક કાઉન્ટી, લોંગ આઈલેન્ડમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાય કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/