સાબરકાંઠાઃ વડાલીના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલી ઈલેક્ટ્રીકલ વસ્તુઓમાં વિસ્ફોટ થતાં એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરુષનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
વડાલી તાલુકાના વેડા ગામમાં એક વ્યક્તિએ ઈલેક્ટ્રીક વસ્તુઓ ઓનલાઈન મંગાવી હતી. જેનું પાર્સલ આવી ગયું હતું. પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. પાર્સલ ખોલનાર 30 વર્ષીય પુરુષ અને 11 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. વડાલી પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
એક રિક્ષાચાલકે જીતેન્દ્ર બંજારાને પાર્સલ આપ્યું હતું. જિતેન્દ્ર બંજારાએ પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 30 વર્ષીય જિતેન્દ્ર બંજારા અને તેમની 11 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે, આ અકસ્માતમાં અન્ય બે છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેઓને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે, જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે. પાર્સલમાં શું આવ્યું હતુ તે હજુ સ્પષ્ટ થયું નથી. પાર્સલની અંદર શું રાખવામાં આવ્યું હતું જેના કારણે તેને ખોલતા જ વિસ્ફોટ થયો ? પોલીસ આ મામલે ફોરેન્સિક ટીમની મદદ લઇ રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યાં અનુસાર પાર્સલ ખોલનાર વ્યક્તિનું કાંડું કપાયેલું હતું.આ ઘટનામાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, પરિવારજનોમાં આ ઘટના બાદ શોક વ્યાપી ગયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526