રાજકોટ રક્તરંજિત થવાનો સિલસિલો યથાવતઃ પાંચ દિવસમાં છઠ્ઠી હત્યાથી પોલીસ થઇ દોડતી

10:12 AM Oct 26, 2025 | gujaratpost

ઘંટેશ્વર વિસ્તારમાં ચોરીની શંકાએ દંપતીએ યુવકને છરીના ઘા મારી પતાવી દીધો

રાજકોટ: દિવાળીના તહેવારોની વચ્ચે રાજકોટ શહેરમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, કારણ કે છેલ્લા માત્ર પાંચ દિવસમાં છઠ્ઠી હત્યાની ઘટના બની છે. ઘંટેશ્વર વિસ્તારમાં ચોરીની શંકા રાખી એક દંપતીએ મજૂરીકામ કરતા યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી માહિતી મુજબ, શહેરના મનહરપુરમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાટરમાં રહેતા અને મજૂરીકામ કરતા વિજય ચુનીભાઈ સોલંકી (ઉં.વ. આશરે 25)ની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ધર્મેશ નામના શખ્સે તેની પત્ની સુમિત્રા ઉર્ફે ગુડ્ડી સાથે મળી વિજયને ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા, જેના કારણે વધુ પડતું લોહી વહી જતાં વિજય ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ યુવાન હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

ગાંધીગ્રામ પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક વિજયના કાકા ભરત મનજી સોલંકીએ છ મહિના અગાઉ આરોપી ધર્મેશના ઘરે સોનાનો કંદોરો સહિતની ચોરી કરી હતી, જે અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. કાકાએ ચોરીનો મુદ્દામાલ ભત્રીજા વિજયને વેચવા આપ્યો હતો. જો કે, આ ચોરી વિજયે જ કરી હોવાની શંકા ધર્મેશ અને તેની પત્ની સુમિત્રાને હતી, જેના કારણે તેમણે વિજયનું છરીના ઘા મારી હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું છે.