દિલ્હીની એક હોટલમાં આગ લાગવાથી 21 લોકોનાં મોત, બચાવ કામગીરીમાં ઘાયલ 8 પોલીસકર્મીઓની હાલત ગંભીર

08:16 PM Jun 03, 2026 | gujaratpost

દિલ્હીઃ માલવિયા નગરમાં ફ્લોરિસ સ્ટે હોટેલમાં ભીષણ આગ લાગી હતી. અહેવાલો અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે. આગની માહિતી મળતાં, ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, કેટલાક લોકોને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, પરંતુ ઘણા લોકો આગ અને ધુમાડામાં ફસાયા હતા.

આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. પોલીસ, ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.

મૃત્યું પામેલા 21 લોકોમાં 6 વિદેશી નાગરિકો

ફ્લોરિશ સ્ટે હોટેલમાં આગ લાગવાથી મૃત્યું પામેલા 21 લોકોમાં 6 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. તેમાં નાઇજીરીયા, મોઝામ્બિક, બાંગ્લાદેશ અને લાઇબેરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે. હોટેલ માલિક લોકેશ બજાજ છે, જે ઘણી અન્ય હોટલોના માલિક છે. લોકેશ બજાજની ધરપકડ કરવા માટે પોલીસ દરોડા પાડી રહી છે.

માલવિયા નગર હોટલ પાસે ફાયર એનઓસી ન હતી: દિલ્હી ફાયર સર્વિસ ચીફ

ફાયર ચીફના જણાવ્યાં મુજબ, જે હોટલમાં આગ લાગી હતી તેની પાસે ફાયર એનઓસી નથી, ઇમારતનું માળખું એવું હતું કે વર્તમાન સલામતી નિયમો હેઠળ તેને ફાયર એનઓસી મળી ન હતું. આસપાસના વિસ્તારની ઘણી અન્ય હોટલોમાં પણ ફાયર એનઓસીનો અભાવ હતો. આનાથી આ વિસ્તારમાં અગ્નિ સલામતીના નિયમોના પાલન અને અમલીકરણ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.

આગમાં ભોગ બનેલા લોકોની સ્થિતિ અંગે ડોક્ટરનું નિવેદન

મેક્સ હોસ્પિટલના ડોક્ટરના અનુસાર 15 દર્દીઓ આઈસીયુમાં છે અને 8 વેન્ટિલેટર પર છે. અમે એક દર્દીને સફદરજંગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો છે. નાની ઇજાઓ ધરાવતા 5 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં 9 પુરુષો અને 9 મહિલાઓના મોત થયા છે. આગ ફાટી નીકળતા પહેલા પીડિતો સુધી ધુમાડો પહોંચ્યો હતો અને તેઓ ગૂંગળામણથી મૃત્યું પામ્યા હતા.

10 પોલીસકર્મીઓને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં

માલવિયા નગર આગ બચાવ કામગીરી દરમિયાન ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતા દિલ્હી પોલીસના 10 કર્મચારીઓને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ વળતરની જાહેરાત કરી

પ્રધાનમંત્રી કાર્યાલયના X હેન્ડલ પરથી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના માલવિયા નગરમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમએનઆરએફમાંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.