ગુજરાતમાં તહેવારોમાં બની અનેક લોહીયાળ ઘટનાઓ: 5 દિવસમાં 15 લોકોની હત્યા

11:24 AM Oct 25, 2025 | gujaratpost

  • તહેવારો પર કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી
  • રાજકોટમાં સૌથી વધુ હત્યાઓના બનાવ 
  • નજીવી વાતમાં જૂથ અથડામણ થઈ

અમદાવાદઃ દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં ભયજનક ગુનાહિત આંકડા સામે આવ્યાં છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન અનેક હત્યાઓના બનાવો નોંધાયા છે, જેમાં કુલ 15 લોકોનાં મોત થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, જામનગર સહિત અન્ય શહેરો અને વિસ્તારોમાં નીચેના કારણોસર ખૂની ખેલ ખેલાયો હતો

  • પારિવારિક ઝઘડા
  • ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરાર
  • અનૈતિક સંબંધોમાં હત્યા

તહેવારોની સિઝનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવાં હથિયારોથી હત્યાઓ કરી છે.

રાજકોટ શહેરમાં માત્ર 18 કલાકના ગાળામાં જ 4 લોકોની હત્યા થઇ છે. કાળી ચૌદશની રાત્રે ત્રિપલ મર્ડર થયું, અને દિવાળીના દિવસે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી હતી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે અનૈતિક સંબંધની શંકાના કારણે એક ખૂની ખેલ રમાયો હતો. પતિએ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે જોતાં આવેશમાં આવીને છરી મારીને યુવકની હત્યા કરી નાખી હતી. મૃતકના લગ્ન એક મહિના પછી થવાના હતા. ઉપરાંત ફટાકડા ફોડવાની સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં પણ રાજ્યમાં 2 લોકોની હત્યા કરવામાં આવી હતી.