આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 10 લોકોનાં મોત, અચાનક ભીડ ઉમટી પડતાં થઇ દુર્ઘટના

12:42 PM Nov 02, 2025 | gujaratpost

શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં દેવુથાની એકાદશી પર ભાગદોડ મચી ગઈ હતી. મંદિર પરિષરમાં ભક્તોની સંખ્યા અચાનક વધી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મંદિરમાં થયેલી નાસભાગમાં 10 ભક્તોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ 

ઘાયલો અને મૃતકોની સંખ્યા અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ મંદિર ચાર વર્ષ પહેલાં મુકુંદ પાંડા નામના ભક્ત દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે થોડા મહિના પહેલા જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હાલની માહિતી અનુસાર, મંદિર પહેલા માળે છે, અને રેલિંગ તૂટી પડતાં એક માણસ સીડી પાસે પડી ગયો હતો, ત્યાર બાદ નાસભાગ મચી ગઈ હતી.

મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગામાં વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડથી ખૂબ જ આઘાત લાગ્યો છે. આ દુ:ખદ ઘટનામાં ભક્તોના જીવ ગુમાવવું દુ: ખદ છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મેં અધિકારીઓને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.   

પીએમઓએ વળતરની જાહેરાત કરી

પીએમ મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ તરફથી ટ્વિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે,  શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે, ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++